ગુજરાતીમાં લિંગ ત્રણ છે : પુંલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ (નર, નારી અને નાન્યતર).
1. જે સંજ્ઞા (નામનું મૂળ અંગ)ના લિંગને ઓળખવા માટે મોટા ભાગે ‘કેવો’ વિશેષણ લગાડવું પડે એ પુંલ્લિંગ સંજ્ઞાઓ. દા.ત., પંખો, ઘોડો, કૂકડો, ગોળો, લોટો, હથોડો, દરિયો વગેરે. અહીં દરેકને છેડે ‘ઓ’ પ્રત્યય લાગ્યો છે. હા, પણ ક્યારેક અંતે ‘ઓ’ પ્રત્યય ન લાગે છતાં પણ તે સંજ્ઞા પુંલ્લિંગ હોય છે. દા.ત., પવન(કેવો), હાથી(કેવો), મણિ(કેવો), ચંદ્ર, વેપારી, સિંહ, રંગ, રૂમાલ, માણસ, નિબંધ વગેરે.
2. જે સંજ્ઞાના લિંગને ઓળખવા માટે મોટા ભાગે ‘કેવી’ વિશેષણ લગાડવું પડે એ સ્ત્રીલિંગ સંજ્ઞાઓ. દા.ત., દીકરી, ઘોડી, ફીરકી, કૂકડી, સાડી, લોટી, સોટી, નદી વગેરે. અહીં દરેકને છેડે ‘ઈ’ પ્રત્યય લાગ્યો છે. હા, પણ ક્યારેક અંતે 'ઈ' પ્રત્યય ન લાગે છતાં પણ તે સંજ્ઞા સ્ત્રીલિંગ હોય છે. દા.ત., રાત(કેવી), જાત(કેવી), યાત્રા(કેવી), વસ્તુ(કેવી), જળો(કેવી), જાળ, વહુ, ખીર, હિંમત વગેરે.
3. જે સંજ્ઞાના લિંગને ઓળખવા માટે મોટા ભાગે ‘કેવું’ વિશેષણ લગાડવું પડે એ નપુંસકલિંગ સંજ્ઞાઓ. દા.ત., મરચું, છોકરું, જાંબુ, લીંબુ, કૂતરું, બારણું, ઝરણું, વછેરું, ગલુડિયું વગેરે. અહીં દરેકને છેડે ‘ઉ-ઉં’ પ્રત્યય લાગ્યો છે. હા, પણ ક્યારેક અંતે ‘ઉ-ઉં’ પ્રત્યય ન લાગે છતાં પણ તે સંજ્ઞા નપુંસકલિંગ હોય છે. દા.ત., શહેર(કેવું), તેજ(કેવું), સાપુતારા(કેવું), પાણી(કેવું), નાક(કેવું), વાદળ, લોહી વગેરે.